Wednesday, December 30, 2009

બધે તુ તો છે

શબ્દે શબ્દે કડીએ કડીએ તુ જ તો છે,
તુ છે મારી કવિતા ને ગઝલ પણ,
શબ્દોનો તને ભાર લાગે છે,એ તુ કહે છે?

મારી કવિતાનું સત્વ ને તત્વ પણ તુ,
મારી ગઝલમાં રદીફ ને કાફિયા તુ,
નથી રહેતી મારી કલમમાં,એ તુ કહે છે?

મારા નયનમાં તારી તો તસ્વીર છે,
સ્વપ્ન અને યાદોમાં આવી સતાવે તુ,
દિલમાં તુ જ ધડકન થઈને ધડકે છે,

તુ નથી મારી કોઇ,તે પણ તુ કહે છે?

Thursday, December 24, 2009

સ્મીત

ના જા તું હવે, મને તારા સ્મીતની અછત વરતાશે,
હે દોસ્ત, જઇશ તું તો, મારું સ્મીત પણ ખોવાઇ જાશે.

કેટલું સહેલાઇથી અમને કહી દીધું કે, ભૂલી જાવ તમે,
કરું જો ભૂલવાની કોસીસ, તો વધુ યાદ આવ્યા કરશે.

હશે જરૂર કોઈ તો કારણ, નહી તો આવુ થાય નહી,
કદાચ મારા હાથમાં, તારા નામની લકિર નાની હશે.

ન ચાહત હતી કિનારાની, હતું મધદરીયે રહેવું કબુલ.
ક્યાં ખબર હતી, કે નાખૂદા સાવ અચાનક છોડી જાશે.

છે ગમ તારા જવાનો મને, પણ હવે કહું તો કોને કહું,
આ સુમસાન શહેરમાં, મારી વાત કોણ સમજી સકશે.

છે દદૃ અમને, પણ રોકી રાખ્યા છે આંસુંને પલકોમાં,
કદાચ નયનમાં સાચવી રાખેલી છબી ધોવાઇ જાશે.

Monday, December 7, 2009

Internet

આવે તારી યાદ તો, googleમાં તને શોધ્યા કરું, orkut ને facebook માં ફંફોસ્યા કરું.
છે લાખો profile તારા નામની, હું શું કરું? બધાને હું friend request મોકલ્યા કરું.

છે community ની ભરમાર internet પણ, તારી ગમતી community માં જોડાયા કરું.
નથી બદલતો મારો અવતારને પણ, કદાચ તું પણ શોધતી હોઈશ એમ વિચાર્યા કરું.

મળ્યા તો છે હજારો દોસ્તો તારી શોધમાં, તારી સરખામણીના કોઈ નથી, હું શું કરું?
ક્યાથી હોય net મિત્રોને મારા દર્દનો અહેસાસ, તેમને તો હું રોજ smilly મોકલ્યા કરું.

થાક્યો છું હવે, તને શોધી શોધીને, બનાવે તું પણ હવે તારી profile તેમ ચાહયા કરું.
હે દોસ્ત, હવે તો તું આવ internet પર, ક્યારેક google ને ક્યારેક yahoo માં શોધ્યા કરું.

Friday, November 27, 2009

આરઝૂની તડપ

એક નાની આરઝૂ હતી, ક્યાં હતી કોઇ મોટી ખ્વાઇશ,
આપણે રાહદાં તો હતા, કાંઇ હમસફર તો ન હતા.

સમયની સાજીશ હશે, કે હશે મારો પણ થોડો વાંક,
વિધાતાએ આવા જુદાઇના લેખ, લખ્યા તો ન હતા.

ક્યાંથી હોય તમને, મારા દર્દનો થોડો પણ અહેસાસ,
તમે મારી ખબર પણ ન પુછો, તેવા સાવ તો ન હતા.

જીવનની વસંત ગયાને થઇ હશે, હવે તો ઘણી સદીઓ,
પાનખરમાં તારી યાદો શીવાય, કોઇ સહારા ન હતા.

ન કાઢશો કોઇ અર્થ હવે, આ નયનથી વહેતા આંસુનો,
વહેવું તેની આદત છે, ને બીજા કોઇ દ્વાર પણ ન હતા.

કહું છું કોઇ ન પુછો મને, શું હોય છે આરઝૂની તડપ,
હતી શાંતી, પણ કબરમાં અમે ચેનથી સુતા ન હતા.

Saturday, November 21, 2009

અનુભવજો

ના દેખાઈએ અમે ક્યાંય, તો તમારા પ્રતિબિંબમાં જોજો,
ના હોઇયે અમે જો સાથ, તો તમારા પડછાયાને પુછજો.

જોવો હોય મને તો, થોડી ગરદન જુકાવીને દિલમાં જોજો,
રાખીને હૈયા પર તમારો હાથ, ધડકનમાં મને અનુભવજો.

જ્યારે હોય સુખના દિવસો ત્યારે, તમે પ્રભુને યાદ કરજો,
ચાહું ના આવે, પણ આવે દૂઃખ તો, તમે અમને યાદ કરજો.

મળે કોઇને તે ક્યાંક તો, અમારા આટલા ખબર તો કહેજો,
કરીએ છીએ આજપણ અમે તેમને યાદ, એટલું તો કહેજો.

Sunday, November 15, 2009

પતવાર

નાની નાની વાતો પર થતી, તે તકરાર કોની હતી,
બનાવી હતી આપણે કાગળની, તે પતવાર કોની હતી.

મારી નાની જીત પર, ખુશ થવાની આદત કોની હતી,
તને ખુશ થતી જોવા, હારવાની તે ચાહત કોની હતી.

મારા ઘરના આંગણાંમા, આ પગલાની છાપ કોની હતી,
નથી તું તો, મારા બારણે દસ્તક દેતી યાદ કોની હતી.

સબંધોને લાગણીના તારે, બાંધવાની રસમ કોની હતી,
જમાના ના બંધનને, મોડવાની તે કસમ કોની હતી.

નથી તું મારા નસીબમા, તો હાથમા લકીર કોની હતી,
દૂર ક્ષિતીજથી ઉઠતી હતી, તે પરછાઇ કોની હતી.

ચારે દિશાથી આવતી, તે મળવાની ખબર કોની હતી,
રાહ જોતા જોતા, વરસોથી જાગતી તે કબર કોની હતી.

Friday, October 30, 2009

વચન

ડુબુ હું મધદરીયે પણ કિનારે છબછબીયા કદી ન કરું,
શાંત નદીઓની ખેવના કરું ને ઉછાંછળા ઝરણાથી ડરું.

સમયની સાથે પલટાતા દોસ્તોની વણઝારથી દૂર રહું,
રાખુ એક બે દુશ્મનો પણ તાલી મિત્રોના ટોળાને ટાળું.

નથી કરવી દોસ્તી એવી કે, દોસ્ત તું મળેને નજર ઝુંકાઉ,
કરું દુશ્મની એવી કે, ક્યારેક દોસ્ત બનુ તો ન શરમાઉ.

આપુ હું તને વચન તો, પડે આભ તો પણ ન બદલાઉ,
દોસ્ત તારી મુશ્કાન કાજે, હું લાખો વેદનાને હસતા સહું.

Sunday, October 25, 2009

નાખૂદા

મીલાવ તુ હાથ, હું જીવનની પાનખરમાં વસંત લઇ આવ્યો,
મીલાવ તુ નજર, હું નયન ભરીને સપના લઇ ને આવ્યો.

માગી લે ગમતું આજ, હું ખરતો સીતારો થઇ ને આવ્યો,
હવે તુ બની જા એક લહેર, હું જો કિનારો થઇ ને આવ્યો.

રાખી લે દિલ પર તુ હાથ, હું તારી ધડકન થઇ ને આવ્યો,
તમે છો મારા નાખૂદાને, હું નાખૂદાને ખૂદા કહેતો આવ્યો.

Monday, October 12, 2009

અમર

તને મળવાની ચાંદ ની ચાહત, બસ અધુરી રહી,
ને આ પાગલ વાદળી, તને જોતા જ વરસી ગઇ.

તારા આગમનની, ચમનમાં અસર કાંઇ એવી રહી,
તારી ખુશ્બૂની ચર્ચા થઈ, તે આ ફૂલોને ખટકી ગઇ.

આવે નહી આમ મળવા, પણ સપનામાં ફરકી ગઇ,
આવ્યાની નિશાની રૂપે, અહેસાસથી ઘર ભરતી ગઇ.

મારા વેરાન જીવનમાં, તુ મૃગજળનો એક ભાસ થઈ,
મારી કવિતાનો પ્રાસને, મારા શબ્દોનો તુ શ્વાસ થઇ.

યાદોના સાગરમાં, આ કેવી અજબની ભરતી થઇ,
બનીને તુ આંશુ મારા, નયનથી જોને ટપકી ગઇ.

ક્ષણને બનાવી સદીઓ, તુ આંખોથી ઓઝલ થઇ,
વિરહના વાવાઝોડામાં, તુ એક જ સદા અમર રહી.

Sunday, October 11, 2009

ભૂલી ના શકયા

હતું સત્ય કે મારો ભરમ, તે સમજી ના શકયા,
કરી કોશીશ લાખ પણ, તમને ભૂલી ના શકયા.

ભૂલ કે હૈયાની વાત, હોઠો પર લાવી ના શકયા,
ને તમે પણ નજરની ભાષાને, સમજી ના શકયા.

સંધ્યા સમયે અમે, ચાંદ થઇને ચમકી ના શકયા,
ને તમે આ આગિયાના નૂરને, ઓળખી ના શકયા,

તારા નામની રેખા અમે, હાથમાં દોરી ના શકયા,
તારા નામ સાથે અમારા નામને, જોડી ના શકયા.

સમયના બદલાતા વહેણને, અમે સમજી ના શકયા,
અમે કોઇના દિલમાં, ધડકન થઇ ધડકી ના શકયા.

Saturday, October 3, 2009

વાયદો

તારા મળવા આવવાના વાયદાનો ભરમ રહ્યો,
સમય વહેતો રહયો, રોજ તને યાદ કરતો રહ્યો.

નથી કરતો હવે તમને યાદ, એમ કહેતો રહયો,
તમારી જેમ હું પણ, મારી જાતને છેતરતો રહ્યો.

તમને શોધવાને ખાલી ક્ષીતીજ ફંફોસતો રહયો,
તારા શહેરથી આવતી હવાને ખબર પુછતો રહયો.

તને ભૂલવાની કોશીશમા, તને યાદ કરતો રહયો.
રોજ હું અતિતના કીનારે, છબછબીયા કરતો રહયો.

જમાનો મને, ને હું જમાનાને પાગલ માનતો રહયો,
મારી તે દિવાનગીની હદને, હું જ સર કરતો રહયો.

આવશો તમે તે આશમાં, હું સદીઓ જીવતો રહયો,
યમરાજને કાલના વાયદા, વરસો સુધી કરતો રહયો.

Saturday, July 18, 2009

ચાલ ને

ચાલ ને આપણે, પેલા વાદળ પર બેસીને વિહરીએ,
હાથમાં રાખીને હાથ, અનંત નિલ ગગનમાં રખડીએ.

ચાલને આપણે, પેલી ક્ષીતીજને પાર જઇ બેસીએ,
પેલી સંધ્યાના રંગો ચોરીને, મેગધનૂષ્ય ચીતરીએ.

બનાવીને સીતારાનો ઝુલો, ઘડીક આપણે ઝુલીએ,
તું જો આવે મારી સાથે તો, પેલા ચાંદને શરમાવીએ,

કરી પલકોને બંધ, બનીને સપનુ યુગો આપણે જીવીએ,
એક બીજાના દિલમાં, બનીને ધડકન આપણે ધડકીએ.

Saturday, June 27, 2009

બે દોસ્ત

કોણ કહી શકે કે અમારા જીવનમા, અમને કોઇ પણ અછત હતી,
સરોવર હતા, મૃગજળ હતા, ને વાદળી હતી, પણ એક તરસ હતી.

એક કિનારે તું હતી ને, બીજે કિનારે હું, વચ્ચે ધસમસતી નદી હતી.
તારે તરવી હતી ને, મારે પણ તરવી હતી, એક ઇશારાની કમી હતી.

સાગર શાંત હતો ને, મારી કસ્તી પણ કિનારાથી બહુ દૂર ન હતી,
સામે જ તુ પણ હતી, ને આ ભવસાગરની કેવી ભુલભૂલામણી હતી.

તારે જવું ન હતુ ને, અમે રોકીશું તેવી છુપી એક આશા પણ હતી,
દેવો હતો મારે પણ સાદ, ને કદાચ શબ્દોની અજબ હડતાલ હતી.

તુ પાસ ન હતી, પણ આસપાસ હતી, ને યાદોની વણજાર પણ હતી.
જાણે આયનાથી મઢેલા, મારા ખાલી ઘરમા, તારી એક તસવીર હતી.

હારવાની નાનમ ન હતી, ને જીતવાની મને આદત પણ ન હતી,
વસંતને મારે જીતવી ન હતી, ને પાનખરને ન જવાની જીદ હતી.

તારા ગયા પછી જીવનમા, મારી પાસે બે જ તો, સારી દોસ્ત હતી,
એક તારી યાદ હતી ને, બીજી આ હવા, તારો અણસાર લાવી હતી.

Saturday, June 13, 2009

અહેસાસ

સંધ્યા સમયે શોધું છું, તને દૂર ક્ષિતિજમાં,
સરતો જાઉ છું, ધીરેધીરે મારા અતીતમાં.

જરૂર હશે થોડી કમી, અમારા જ પ્રયાસમાં,
કોઇ છોડી જાય નહી, આમ અડધા પ્રવાસમાં.

જીવ્યો સદીઓ, તારા થોડી ક્ષણના સાથમાં,
યુગોથી જોઉ રાહ, તારા આવવાની આશમાં.

નથી ગમ દોડવાનો, મૃગજળની પાછળ રણમાં,
જરૂરી હોય છે, એક સુંદર ભરમ પણ જીવનમાં.

કહે છે લોકો કે, ન હોય વરસાદ આ મૌસમમાં,
વરસે છે નયન, બનીને વાદળ ભર વૈશાખમાં.

ભરી લીધી છે અમે તો હવાને, છેલ્લા શ્વાસમાં,
હશે તમારો અહેસાસ હવામાં, તેવા વિશ્વાસમાં.

Saturday, June 6, 2009

તમને માગ્યા

ઉડતા જોયા પતંગીયા ને, ખીલતા જોયા ફૂલ,
ફૂલોની ખૂશ્બૂ પાસેથી, મે તમને માગ્યા.

ધખધખતા આ વૈશાખ ને, આંબે આવ્યો મ્હોર,
કોયલના ટહુંકા પાસેથી, મે તમને માગ્યા.

ચાંદની ઓઢી નીકળ્યું કોઈ, અંગે મઢી તારલીયા,
ખરતો જોયો તારલીયોને, મે તમને માગ્યા.

અમાસની આ રાતલડી ને, મારી પાસે ચાંદલીયો,
નભને આપી ચાંદલીયોને, મે તમને માગ્યા.

હોઠોની એક સરહદ હશે ને, શબ્દોની હશે અછત,
બંધ રાખી હોઠોને, વિના શબ્દે, મે તમને માગ્યા.

નયનથી નયનનું મળવું ને, તારા નયનનું ઢળવું,
નજરની છે ભાષા ને, નજરથી મે તમને માગ્યા.

સદીએ સદીએ ને, હર જન્મે જન્મે તમને માગ્યા,
શ્વાસે શ્વાસે ને હર ધડકનમાં, મે તમને માગ્યા.

Monday, May 25, 2009

નથી ગમતા

મને તારી ઝલક જોવી ગમે છે, પણ આ સૂના ઝરૂખા નથી ગમતા.
મને તારી બારી તો ગમે છે, પણ આ સ્વર્ગના દરવાજા નથી ગમતા.

મને ઉંડા સાગર તો ગમે છે, પણ આ ઉછાંછળાં ઝરણાં નથી ગમતા.
મને રણના ઝાંઝવા તો ગમે છે, પણ આ છીછરા સરોવર નથી ગમતા.

મને કાળી કોયલ તો ગમે છે, પણ આ ઠગભગત બગલા નથી ગમતા.
મને તમારો ભરમ તો ગમે છે, પણ આ સત્યના તમાશા નથી ગમતા.

મને અડગ આકાશ ગમે છે, પણ આકાર બદલતા વાદળ નથી ગમતા.
મને સમય થઇ સરવું ગમે છે, પણ આ સમયના પલટા તો નથી ગમતા.

મને તમારી યાદોનો સહારો છે, હવે મને કોઇના સથવારા નથી ગમતા.
મને એકલતાની તો આદત છે, હવે ઘરમાં આ અરીસા પણ નથી ગમતા.

મારી પસંદગી તો થોડી ઉચી છે, હવે મને જેવા તેવા કોઇ નથી ગમતા.
મને તમે તો બહું ગમો છો પણ, હવે મને બીજા કોઇ પણ નથી ગમતા.

Wednesday, May 20, 2009

જીવન નૈયા

ચોરીને લઇ જાય છે, ફૂલોની ખુશ્બૂ, હવાનુ ઝોકું આજ,
કોની ખુશ્બૂના અહેસાસે, હું ઉભો ઉભો મહેકું છું આજ.

પલકો પર સજાવ્યું, ને નયનમાં વસાવ્યું સપનું આજ,
પલકોથી સરકીને તે, દીલમાં ધડકે છે ધડકનની સાથ.

સંધ્યાના પ્રસરતા રંગોમાં, પા પા પગલી આવી યાદ,
યાદોની ચાદર ઓઢીને, જાગુ ચાંદની સાથે આખી રાત.

કોઇ તો મને આપો, મારા ઘરના રસ્તાનો નક્શો આજ,
ખોવાઇ જવાશે, નયનથી દીલના, અટપટા રસ્તામાં આજ.

મધદરીયે ઉઠ્યા તોફાનો, ને ડોલે મારી જીવન નૈયા આજ,
નથી પહોચવું કિનારે મારે, જોવી છે મારે નાખુદાની વાટ.

નથી હું શીવ, ને બની ગયા છો તમે, ભાગીરથી કોને કાજ,
તમને સ્વર્ગથી ઉતારી લાવવાના, ભગીરથ ઇરાદા છે આજ.

Saturday, May 16, 2009

દોસ્તી

નદીઓને દોસ્તી સાગરની, આવે છે જો મળવા પાસ પાસ,
દોસ્તી છે હવાના ઝોકાની, લહેરને રહેવું ઝોકાની આસપાસ.

હાથ પકડી ઝોકાનો, લહેર સફર કરે સાગર પર ફાસમફાસ,
નથી કોઈ ફીકર ટકરાવાની, જાય કિનારાની પણ આસપાસ.

મજા છે તારો હાથ પકડી રખડવાની, રસ્તે રસ્તેને વાટ વાટ,
નથી પહોચવું હવે મારે મંજીલ, તું જો છે મારી બસ આસપાસ.

તું કરતી રહે મને તારી વાત, ને હું શબ્દ બનીને રહું પાસ પાસ,
કોને ફીકર છે આ જમાનાની, આપણી દોસ્તી તો છે ખાસ ખાસ.

કરે છે લોકો વાતો આપણી, જો ને આખો દીવસ અહી આસપાસ,
આખા મલકને લાગે છે કેમ, કે આપણે કરીયે બસ ટાઈમ પાસ?

છે મારા પણ થોડા ખાસ, ને છે તારા પણ ખાસ તારી આસપાસ,
જ્યારે તમે નથી હોતા મારી પાસ, લાગો છો કેમ મને આસપાસ?

તડપ ને તરસ

કરતા હતા અમે પણ બંદગી, ને હતા કદાચ તમે જ બસ અમારી જીદગી,
ન કાબા કે કાશીની જરૂરત હતી, તમારા ઘરના રસ્તાથી પરીચિત તો હતા.

ચાલ્યા હતા આપણે સાથે ચાર કદમ, ને ખબર હતી નથી તમે મારા હમસફર,
ક્યારેક આપણે ખુલ્લી આંખે, દૂર ક્ષિતીજમાં ખોવાવાના સપના જોયા તો હતા.

શોધું છું તમને કેટલી સદીઓથી, ને ખબર હતી મને કે તમે છો મારી સરસ્વતિ,
આમ તો અમે પણ સાગર છીએ ને હજારો નદીઓને હરરોજ મળતા રહેતા હતા.

તમને પામવાની એક ખ્વાઇશ હતી, ને આ કેવી તડપ હતી ને કેવી તરસ હતી,
બનીને હવે શીવ, અમે પણ તારા હર એક સીતમને ચુપચાપ પીતા રહેતા હતા.

કરે છે લોકો લાખ કોશીશો જીવનભર, આ ભવસાગરમાં એક કિનારા ને પામવા,
મારા નસીબ સારા હશે, તારા દીધેલ એક નહી તડપને તરસ બે કિનારા હતા.

Saturday, May 9, 2009

પરાયા

છોડીને અહંકારના ડુંગર અમે તો આવ્યા,
નાના મોટા ખાટા પ્રસંગો મુંકીને પણ આવ્યા.

હોઠો પર એક તારું નામ લઈને જો આવ્યા,
પલકો પર એક નાની ઉમ્મીદ લઈને આવ્યા.

કબુલ કે મોડા છીએ પણ આખરે તો આવ્યા,
આખી દૂનીયાને અમે તો ઠોકર મારીને આવ્યા.

તમને સમયના તે બંધન આજ નડી આવ્યા,
કદાચ કરેલી ભૂલોના પડછાયા વચ્ચે આવ્યા.

ચાલ્યા ગયા તમે દૂરને વધું નજીક આવ્યા,
તમે યાદોમાં આવ્યા ને સપનામાં પણ આવ્યા.

હતા જે નજીક તે અજનબી બનીને આવ્યા,
પોતાના હતાને આજ તમે પરાયા થઈને આવ્યા.

જેવા પણ આવ્યા સારું છે તમે આજ આવ્યા,
તને ખુશ જોઈને કોરા નયન તો છલકાઈ આવ્યા.

Friday, May 1, 2009

આરઝૂ

કહી હતી ધીમા સાદે તમે વાત એક ને અમે પણ એક,
ગાજે છે આજ પણ તેના પડઘા કેવા અનેક.

ઉઠી હતી તારી ઉમ્મીદની લહેર એક ને મારી પણ એક,
આવ્યો કિનારો તો હતા અહીં પથ્થરો અનેક.

ચાલ્યા હતા મારા તરફ ડગલું તમે એક ને અમે પણ એક,
સમયને પલટાવા માટે હતી દિશાઓ અનેક.

હોય આપણું ઘર તે સપનું તારું એક ને મારું પણ એક,
લાગ્યું હશે લોકોને કે કરીશું સર શહેર અનેક.

તૂટ્યું હતું તે તમારું સુંદર સપનું એક ને અમારું પણ એક,
જોડીયે છીએ આજ પણ સપનાના ટુકડા અનેક.

દફનાવી હતી આરઝૂ દિલમાં તમે એક ને અમે પણ એક,
આજ પણ છે સલામત લાગણીઓના સ્ત્રોત અનેક.

કરો લાખ કોશિશ નથી મરતી આરઝૂ એક ને તડપ એક,
કાયમ રહે છે સાથ જીવનમાં વેદનાઓનો અનેક.

Saturday, April 25, 2009

"સંતાકૂકડી"

જોઉ છું હું રોજ, આ વાદળી પાછળ, ચાંદનું છુંપાવું,
રમતા હશે તે સંતાકૂકડી.

તારું સંતાવું, મારું પકડવું, ને પછી તારું તે ઝઘડવું,
રમતા આપણે તે સંતાકૂકડી.

મારુ સંતાવુ, તારું શોધવું, ને મારું દોડી થપ્પો કરવું,
મઝાની રમત આ સંતાકૂકડી.

જોઉ છું હું આજ, આ હસતા લોકો, ગળે મળતા લોકો,
એકબીજા સાથે રમે સંતાકૂકડી.

તમને રહયું યાદ, ને સંતાયા એવા, કે શોધું હું દિનરાત,
ન રડાવો રમી તમે સંતાકૂકડી.

ન કરો જીદ હવે, હારવું છે હવે કબુંલ, નથી રમવી મારે,
આ કાતિલ રમત છે સંતાકૂકડી.

તમે પકડાઈ જાવને, વિનવું છું તમને, કે હવે થાક્યો છું હું,
જીવનભરનો દાવ આ સંતાકૂકડી.

સમજું છું હું, બનાવે નહી રમત આવી, જો ન હોય પ્યારી,
કુદરતને પણ રમવી આ સંતાકૂકડી.

"ઈન્તજાર"

આમ તો ન હતી કાબેલીયતની કોઈ કમી પણ,
કદાચ તમે જ અમને અજમાવ્યા તો ન હતા.
કહયું તો હતું તોડી લાઉ ચાંદને સીતારા પણ,
તમે જ ક્યારેય મને 'હા' પાડતા તો ન હતા.

ન કહી કે ન સમજાવી શક્યો દીલની વાત તને,
તમે સમજવાની કોશીશ કરતા પણ ન હતા.
હશે ભૂલ અમારી કે ન કહયું કદી "ચાહું છું તને",
પણ નયનથી અમે વાત કરતા ડરતા ન હતા.

છે આજ પણ તામારા પગલાની છાપ આંગણમાં,
તારા પગરવના ભણકારા અમસ્તા ન હતા.
ભરીને બેઠો છું મારું ખાલી ઘર તમારી યાદોમાં,
અમારા ઘરમાં અમે સાવ એકલા તો ન હતા.

કહે છે જમાનો કે હવે બદલાઈ ગયા છીએ અમે,
અમારા ઘરમાં અમે આયનો રાખતા ન હતા.
છે આજ પણ મને એક સાથને દોસ્તી પડછાયાની,
તારા શહેરમાં અમે સાવ અજનબી તો ન હતા.

કિનારે ટકરાવુંને ચૂર થવું કદાચ મારું નસીબ હશે,
અમે કાંઇ દરીયાની બસ એક લહેર તો ન હતા.
કદાચ આ મૂફલીશી અમારી દીવાનગીની હદ હશે,
બધાના નસીબ કાંઇ મારા જેવા સારા ન હતા.

હશે કદાચ જરૂરી જીવનમાં તારા અહેસાસનો ભરમ,
નહી તો અમે આટલા નિસહાય ક્યારેય ન હતા.
તમે તો ન કહો કે નથી કરતા અમે ઈન્તજાર તમારો,
જમાનાના લોકો આમ જ દિવાનો કહેતા ન હતા.

Sunday, April 19, 2009

"વૈશાખ"

ધોમધખતો સૂરજને વૈશાખના વાયરા,
તેમા કોયલના ટહૂંકાને તારી ફરફરતી આવી યાદ.

સંધ્યાનો સમયને તારો મને ઈન્તજાર,
પગરવના ભણકારાને તારા આવવાનો છે આભાસ.

સુંદર તારું સપનુંને મારું કરવટ બદલવું,
સપનાનું ફરી આવવું ને પાછું તમારું જ એક સપનું.

રાત આખી જાગવુંને સિતારાનો મને સાથ,
તારી દીધેલ દિવાનગી પર લોકોનું મંદ મંદ હસવું.

સમયની સાથે તારું સરવુંને મારાથી દૂર થવું,
ધખધખતા વૈશાખમાં પણ નયન વાદળનું વરસવું.

સદીઓનું આ જીવનને હોઠો પર તારું નામ,
સમયનું પલટાવુંને જીવનમાં વૈશાખનું અખંડ રહેવું.

Wednesday, April 15, 2009

"પડછાયો"

તારી દોસ્તીનો એક સહારો હતો,
મને વરસો વરસનો તારો સાથ હતો.

મારી સાથે હંમેશા ચાલતો હતો,
માનતો હું કે તું મારો પડછાયો હતો.

લાંબો થઇ મને પડકારતો ને,
બપોરે મારામાં તું જ સમાતો હતો.

દિવસ ભરનો તારો મારો સાથ,
રાતે તું ક્યાં ગાયબ થઈ જતો હતો?

રાત ભર આવે તારી યાદ ને,
સવારે તને જોઈ ને ખુશ થતો હતો.

ન કહ્યું કદી મેં 'હું ચાહું છું તને',
આ નાની ભૂલથી મારાથી ખફા હતો?

તું કહેતો કે સદીઓનો છે સાથ,
તને હવે કેમ મારો ભાર લાગ્યો હતો?

કેમ કહું કે તારો છે કાંઈ વાંક,
તું તો બીજા કોઈકનો પડછાયો હતો.

Saturday, April 11, 2009

"અતીત"

અમે તો અમસ્તા જ મિલાવી હતી નજરથી નજર,
ક્યાં ખબર હતી કોઈ નયનથી દીલના રસ્તે ઊતરી જશે.
લઈને આવી વસંત ખુશીની એક લહેર ચમનમાં,
ક્યાં ખબર હતી બગીચાને વસંત જશે, પાનખર આવી જશે.
તમે મંજીલ હતાને અમે મંજીલ પહોચવામાં હતા,
ક્યાં ખબર હતી કે મારા પગ છેલ્લી ઘડીએ મને છળી જશે.
હતું એક નાનું સપનું કે આપણું પણ એક ઘર હશે,
ક્યાં ખબર હતી કે સમયની સાથે બધું જ અતીત થઈ જશે.
આવ્યા હતા તમે તો અમસ્તા મારી કબર પર,
ક્યાં ખબર હતી તમને આ પાગલ ધડકન ફરી શરું થઈ જશે.

Saturday, April 4, 2009

"રણની વિરડી"

દોડતો રહયો એક મૃગજળની તડપમાં, જોઇ વિરડી તે રણની વિરડી તું જ હતી.
મારી મંજીલ તરફ આંગળીને ચીંધતી, મારા આ જીવન નો ભોમીયો તું જ હતી.
મારા તે સપનાને સાકાર કરવા માટે, ખુલ્લી આંખે બસ સપના જોતી તું જ હતી.
જ્યારે ટપક્યા કોઇની યાદમાં આંસું, મારા આંસુને ખોબામાં જીલતી તું જ હતી.
મારા દીલની ધડકન કોઇ ઔર હતી, મારા દીલની ઘડકન સાંભળનાર તું જ હતી.
કેમ કહી દઉ કે તું મારી કાંઈ ન હતી, મારા દુખની સાથી મારી દોસ્ત તું જ હતી.

Monday, March 30, 2009

"પતંગ"

હતો એક અનેરો ઉમંગ તમારી પસંદગી પામવાનો, અમે તો હસતા હસતા કિન્યાં બાંધવાને વીંધાયા હતા.
બાંધીને નમન તમે અમને સુંદર સજાવ્યા હતા, ખુબજ કાળજીથી અમને આકાસમાં ઉડવા છોડાવ્યા હતા.
ઉડું છુ હું બનીને રંગબિરંગી પતંગ ગગનમાં આજ, સૂરજને હરાવવાના અમને કોઈ જ અભરખા ન હતા.
વાદળથી વાતો કરતોને ન ડરું હું હવાના સપાટાથી, જીવનની દોર તમારા હાથમાં હોવાના ભરોસા જો હતા.
ન હતું કોઈ અભિમાનને ન હતો કોઈ ગર્વ ઊંચાઈનો, મારી ઊંચાઈથી કદાચ જમાનાના લોકો જલતા હતા.
છો કાબેલ પણ થઈ હશે શરતચુક, સાંભળી એક કિકીયારી "કાપ્યો છે" ને ફરી જોયું તો અમે જ કપાયા હતા.
તમે દિલગીર નજરે પવનને શરણે જતા જોતા હતા, તમારા દદૃના અહેસાસથી ડોલતા અમે તો જતા હતા.
કોઈની ખુશી બની મારી જુદાઈ તે કદાચ ક્રમ હશે, જમાનાના આ અજબ ક્રમને અમે ખુબ સમજતા તો હતા.
ન કોઈ અફસોસ ઊચાઈ પર ચડવાનો ને કપાવાનો, મારા દોસ્તો તો જોને ઈલેક્ટીકના તારમાં ફસાયા હતા.
અમે લૂંટાયાને કોઈ અજનબીના ઝંડામાં ફસાયા, કાપીને ખુશ થનારા પણ ક્યારેક જીવનમાં કપાયા હતા.
અમે તો આજ ઉભા બજારે વેચાયા હતા, જોયું જરા આસપાસ તો કાપવા વાળા સાવ સસ્તામાં વેચાતા હતા.
ન ઊચાઈનો નશોને ન ડર કપાવાનો, આપીને જીવનની ડોર કોઇના હાથમાં ફરી અમે ભરોસો કરતા હતા.

Sunday, March 29, 2009

"રણમાં ગુલાબ"

આવ્યું છે વેરાન રણમાં આજ ગુલાબ, થયો છે અજબ જુંઓ એક ચમત્કાર.
રણ નાચે છે થઈ ને આજ ભાવવિભોર, ને નાચે રણની સંધ્યા પણ આજ.
રેતમાં પડી તેના પગલાંની છાપ, હવા પણ ચાલે મંદ મંદ પગલાંને કાજ.
રણમાં ખિલી છે જુઓ આજ બહાર, મહેકે છે આજ રેત પણ કેમ ખુશ્બૂદાર.
ચાલે છે આજ ઊંટ પણ હરણની ચાલ, થઈ ગયું છે શબનમ પણ શરાબ.
થયો છે રણમાં પણ કેમ ખલબલાટ, ધડકે જુઓ રણનું દિલ પણ ધમધમાટ.
ફેલાઈ છે રણમાં તેના આવવાની વાત, થઈ ગઈ છે હલચલ કાંઈ બેશુંમાર.
હું તો દોડું છું મળવાને ગુંલાબ, કહો આ પાગલ મૃગજળ ભાગે છે કોના કાજ.
વાદળ ભાગે ગરમ હવા પર સવાર, જરૂર હશે ગુલાબમાં કાંઇક ખાસ વાત.
ઉઘડી ગયાં રણના નસીબ આજ, રહેશે રણને આ ગુલાબ સદા ને માટે યાદ.
ચાલી જશે ગુલાબ તો કાલે તેના ધામ, થશે રણમાં વાતો સદીઓ સુંધી આમ.

Saturday, March 21, 2009

"કરીએ નવી શરૂઆત"

નથી હું શાહજહાં કે બનાવું તાજમહેલ આરસમાં, ચાલને બનાવીએ આપણું એક નાનું ઘર દરિયાની રેતમાં.
નથી હું ચાંદ કે ચમકી શકું હું ખુંલ્લા ગગનમાં, જો તું કહે તો બનીને આગિયો હું ચમકું સંધ્યાના સમયમાં.
કબુલ કે ભૂલ છે અમારી ન હતા કરતા બંધ નયનને, આવવું તો હતું તમારે સપનું બનીને મારા નયનમાં.
ખબર છે અમને કે નથી અમે આખરી મંજીલ તમારી, બસ ચાર કદમ ચાલ તું બનીને હમસફર રસ્તામાં.
નહી કરું કદી ફરિયાદ દોડાવ મને બનીને મૃગજળ તું, ના તોડ મારો ખૂબસુરત ભરમ હવે આ જીવનમાં.
હશે કદાચ ભટકી જવું તે અમારી કિસ્મતમાં, કરી તો હતી કોશીશ અમે અટવાવાની તમારા નયનમાં.
કહું છું કે નથી આવતી પાનખર અમરપટ્ટો લઈને, કર ભરોસો કે બનીને વસંત આવીશ તારા જીવનમાં.
ના જોડી શક્યો મારા નામને તમારા નામ સાથે, બનાવ્યો તો હતો એક રસ્તો અમારા દીલથી તમારા દીલમાં.
ઊતર તું હવે આ ઊચાં જીદના પહાડો પરથી, ભૂલીને આપણી તે ભૂલો, કરીએ નવી શરૂઆત હવે જીવનમાં.

Friday, March 20, 2009

"દીલનો આયનો"

વાગ્યા મને એવા તારા નયનના તીર,
કાંઈ એવા વાગ્યા કે થઈ ગયુ આ દીલ ઘાયલ,
દીવાનું થઈ ગયું આ મન, ને પગ થઈ ગયા છે પાગલ.

છે અછત ખુશ્બૂની બગીચાના ફૂલોમાં,
શોધ્યા કરું છું હું, બસ હવે તારા બદનની ખુશ્બૂ,
તમારા ઘર તરફથી આવતા હવાના હર એક ઝોકામાં.

કહે છે લોકો મને હવે તારો દીવાનો,
ખોવાયો છું જો હું, આજ મારા જાણીતા શહેરમાં,
પુછ્યા કરું લોકોને મારા જ ઘરનો રસ્તો મારી ગલીમાં.

ખબર છે તમે નથી આવ્યા મહેફીલમાં,
નજર શોધ્યા કરે છે કેમ તને મહેફીલની ભીડમાં,
લાગે છે સુમસામ મહેફીલ કેમ આટલા બધા કોલાહલમાં.

ચાલ્યા કરું છું હું, બસ દૂર સુધી એકલો,
પડછાયાથી હું કરતો વાતો બસ આમ ઈશારામાં,
ફંફોસ્યા કરું છું કેમ, હું બસ તને આ ખાલી ખાલી ગગનમાં.

સરકી જાઉ છું, હું હવે ચુપચાપ ત્યાંથી,
જો કોઈ નામ પણ લે તારું બસ વાતોવાતોમાં,
ને ચુપચાપ મૂશ્કાયા કરું હું, કેમ બસ મારા જ આ હોઠોમા.

ગણ્યા કરું છું હું નભના સિતારા રોજ,
જાગું છું આખી ને આખી રાતો તારી યાદોમાં,
ને રાખી આંખો ખૂલ્લી ચાહું કે આવો હવે તમે સપનામાં.

આવે તારી યાદને તરશે મારું મન,
કરું છું હું બંધ નયનને જુકાવું છું મારું માંથું,
જોયા કરું છું તારી તસવીરને મારા દીલના આયનામાં.

Thursday, March 19, 2009

"ફૂલોની સંગત"

હતી તેના બદનની મહેક હવાના હર ઝોકામાં, હશે તેમને જરૂર ફૂલોની સંગત.
ન હતી કરી કદી ફીકર જીવનમાં તેને કંટકની, હશે તેમને જરૂર ફૂલોની સંગત.
તેથી જ નથી ગણકાર્યા તેને કદી ભ્રમરને પણ, હશે તેમને જરૂર ફૂલોની સંગત.
લાગે તેમનું સ્મીત પણ ખીલતી કળીઓ સમું, હશે તેમને જરૂર ફૂલોની સંગત.
છે ફૂલોમાં પણ ચહલપહલ, આવ્યા હશે તે જરૂર બાગમાં કરવા ફૂલોની સંગત.

Sunday, March 8, 2009

"દીવાનગીની વેદના"

જુઓ ચાલી જાય તે વાદળી, પર્વતના આંસુંનું ઝરણું.
રમતું પડતું ને રુમઝૂમ કરતું, ચાલે તે દીવાનું ઝરણું.
અથડાતુંને ધોધ બનીને પછડાતું, ચાલ્યું જાય ઝરણું.
તોડી દોસ્તી પર્વતની ને નદીને મળવા જાય ઝરણું.
દીવાનું નદીનું એવું કે, બધા વૃક્ષોને કહેતું જાય ઝરણું.

નદી તો દીવાની સાગરની, જુઓ ચાલી તે વળખાતી.
પર્વતના આંસું ને પીતી, ઝરણાની આહોને પણ લેતી.
ચાલી તે સાગરને મળવા, સાગરને છે વાદળ ભરવા.
એકની દીવાનગી એકની વેદના, કુદરતનો ક્રમ છે કેવો.
દીવાનગીનું જોશ જો મારું, બની ગયું છે મારી વેદના.

Thursday, March 5, 2009

"બેવફા ન હતા"

જરૂર કાંઈક તો કમી હતી આજે તારી મહેફિલમાં, તારી નજરના જામ અમે પીધા ન હતા.
આમ તો મળતા હતા અમે હજારો દોસ્તો ને રોજ, પણ તારી સરખામણીના કોઇ ન હતા.
તેમનો સાથ હતો પણ તે હમસફર તો ન હતા, કદાચ અમે તો તેમની મંજીલ પણ ન હતા.
રાત ભર ઘરમાં તેના પગરવના ભણકારા તો હતા, પણ તે અમારા બારણે આવ્યા ન હતા.
તમે જ કહો કે કોને હવે મળું ને શું વાત પણ કરું, મારી વાત સાંભળવા વાળા કોઇ ન હતા.
ફરું તો છું લઈ ને સાથે તેમની યાદોની વણજારને, કેમ કહી દઉ કે તે મારી સાથે ન હતા.
તમારા હર એક આંસુંને ખોબામાં જીલતા તો હતા, ને હવે અમારા આંસું તો સુકાતા ન હતા.
અમે જુઓ ગુજારી આ જીદગી તારી આરજૂમાં, તમને મારી વેદનાના અંદાજ પણ ન હતા.
તારા કાંપતા હોઠો પર કદાચ એક નામ તો હતું, તારા નામની પાછળ મારું નામ ન હતું.
જરૂર હશે કાંઇક તો વાત કે હશે કદાચ મારું બદનસીબ, ખબર છે તમે કાંઇ બેવફા ન હતા.

Wednesday, March 4, 2009

"ખુલ્લી કિતાબ"

ન હતું આવ્યું તારું નામ, પણ સાંભળી લીધું જમાનાએ અમારા થરકતા હોઠોમાં.
કદાચ હશે મારા નયન ખુલ્લી કિતાબ, કે વાંચી લીધું મારું સપનું મારી આંખોમાં.
હશે કદાચ મારા બદનમાં તમારો અહેસાસ, જે પામી ગયા લોકો મારા પગરવમાં.
ખબર છે અમને કે શું છો તમે અમારા, જુઓને હસી લીધું છે અમે તો બસ મનમાં.

"ગમી જશો"

ચમકું કેમ બનીને આગિયો જો તમે ના સંધ્યા થઈ શકો,
જાઉ તો હવે હું જાઉ ક્યા જો તમે નજર જ ફેરવી લેશો.
કંટકની હું દોસ્તી કરું જ કેમ જો તમે ફૂલ ના બની શકો,
આ શહેરમાં હવે હું રહું કેમ તમે જો આમ ચાલી જશો.
આંખોને હું ખોલું કેમ જો તમે સપનું બની આવી જશો,
ને આંખોને હું બંધ કરું કેમ જો તમે યાદ આવ્યા કરશો.
કહું હું કોને મારા દીલનું દદૃ જો તમે ના શાંભળી શકો,
મારી તરસને છીપાવું કેમ જો તમે મૃગજળ બની જશો.
હર ધડકન બોલે જો તારું નામ દીલને તમે ગમી જશો,
કબરમાંથી હું ઉભો થાઉ ના કેમ તમે જો મને સાદ દેશો.


Monday, March 2, 2009

"આવારગી"

જતો હતો ક્ષિતીજ તરફને જઈ પહોચ્યો તેના આંગણે, લોકો પુંછે છે કોની લીધી હતી પરવાનગી.
પૂરતો હતો હું રંગોળી ને કોનો ચહેરો ચિતરી બેઠો, તમે તો ન પુંછો કે કોની છે મને દીવાનગી.
કેમ કહું કે છું હું તેમના શહેરમાં એક અજનબી, જુઓને કરી તો છે મારા પડછાયા સાથે દોસ્તિ.
પુંછ્યા કરું હું તારી ખબર આવતા હવાના હર એક ઝોકા ને, થઈ છે જ્યારથી તારી રવાનગી.
હશે કદાચ મારી કિસ્મત ને કદાચ દીલની થોડી નજાકત, નહીતો ન હોત મને આવી આવારગી.
નથી હવે તો તમારો સાથ જીવનમાં, બોલોને હવે કોને કહું કે ચીંધે મારી મંજીલ તરફ આંગળી.
વહાવવું હતું દદૃને મારે પણ નયનથી, પણ ડર હતો કે કોણ લુંછશે હવે મારા આંશુંને પાલવથી.
કરું આજ વાયદો કે આવજો જોવા કબર પર, ધડકી જશે મારું દીલ તમારા ધીમા એક સાદથી.

Wednesday, February 25, 2009

"નાની એક આશા"

હતી નાની એક આશા સાથે ચાર કદમ ચાલવાની, ડર હશે કદાચ તેમને મંજીલ બની જવાનો.
હતી ખબર કે ડૂબશે નાવ આજ જરૂર મધદરીયે, શોધ્યો અમે કેમ સહારો બસ એક તણખલાનો.
ભરી લીધા અમે સુંદર સપનાને પલકોમાં, ખબર ન હતી આવશે સમય આંશુ સાથે વહાવવાનો.
સજાવ્યું છે સ્મિતને હોઠો પર ને, કર્યો છે પ્રયત્ન અમે તો દર્દ ને દૂનીયાની નજરથી છુપાવવાનો.
ન કહો તમે કે નથી લેતા અમે તમારું નામ, શાંભળ્યો ક્યાંછે તમે સાદ અમારા દિલની ધડકનનો.
કરી લઇશું બંધ અમારા શ્વાસને, જો લાગશે જ્યારે ડર અમને હવાથી દીલના ઝખ્મોને છંછેડવાનો.

Saturday, February 21, 2009

"નયનના જામ"

નયનના જામ પીને જુઓ ચાલ્યા અમે, લડખડાતા પગે જુઓ ચાલ્યા અમે.
મધુશાળા તો નહતા ગયા પણ, તેના દરબારથી ઉઠીને જુઓ ચાલ્યા અમે.
જોયા તેમને કાંઈ એવી નજરે, જીવન ભરના જામ પીને જુઓ ચાલ્યા અમે.
કહે છે લોકો શરાબી અમને, નથી ખબર કે નજરનો નશો કરી ચાલ્યા અમે.
ન મળો કે ન કરો વાત કોઈ ગમ નથી, બસ અમારી મસ્તીમાં ચાલ્યા અમે.
સાથે વીતાવેલી તે પળને યાદ કરીને, મુશ્કરાતા કબર સુધી ચાલ્યા અમે.

"શબ્દો તારાને મારા હતા"

શબ્દો તારાને મારા હોઠ સુધીતો હતા, ને કહેવાની ચાહત પણ હતી.
ન જાણે કેવી તે હોઠોની સરહદ હતી, કે પછી શબ્દોની હડતાલ હતી.
તે સંધ્યાની કેવી શરૂઆત હતી, આપણી વચ્ચે મૌંનની દિવાલ હતી.
સમય તો વહેતો ગયો ને કહેતો ગયો, શબ્દોની ક્યા જરૂરત પણ હતી.
ખબર નથી કે સમયની ભાષા હતી કે નયનથી નયને વાત કરી હતી.

Saturday, February 14, 2009

"આગમન"

ફેલાવી હશે જરૂર તેમને ઝૂલ્ફોને, સંધ્યાનું થયું છે જુઓ આગમન.
હસતા હશે ખિલખિલ જરૂર, ચારે દીશાથી થયું ચાંદનીનું આગમન.
મહેકે છે કંટક બાગમાં આજ, થયું હશે જરૂર તમારું અહી આગમન.
થઈ તેજ દિલની ધડકન આજ, થયું યાદોની વણજારનું આગમન.
ફલકમાં ગણૂં હું તારા રોજ, થયું તમારું મારા જીવનમાં આગમન.

Sunday, February 8, 2009

"નજરનો નશો"

જવું તો હતું ક્ષીતીજને પાર પણ પગ લઈ ગયા તેમના ઘર સુધી.
મંદ પવન પર આવી તેમની યાદ, લઈ ગઈ અમને અતિત સુધી.
કરવી તો હતી તેમને દિલની વાત, ન આવ્યા શબ્દો હોઠ સુધી.
નહતા પીતા અમે શરાબ, રહેશે તેની નજરનો નશો મરણ સુધી.

"કરું બંધ આંખોને"

કરું બંધ આંખોને જોયા કરું, તમે આવો તો ખૂલ્લી આંખે જોવાની એક ચાહત છે.
કોયલના ટહુંકામાં તને મહેસુસ કરું, તમે આવોતો વાતો કરવાની એક ચાહત છે.
ક્ષિતીજ તરફ બસ એકલો ચાલ્યા કરું, તમને અચાનક મળવાની એક ચાહત છે.
હવાના હર ઝોકાને બસ પુંછ્યા કરું, તમારી ખબર શાંભળવાની મને એક ચાહત છે.
છે હજારો દોસ્તો પણ મહેફિલમાં તમને શોધ્યા કરું, પાગલ દિલની એક ચાહત છે.
આવે મારી યાદને થાય, થોડીક મારી ચાહતની અસર તને પણ તેવી એક ચાહત છે.

Friday, February 6, 2009

"યાદ છે."

તે નાજૃક પળ મને આજે પણ યાદ છે, એક જોકુ ઝુલ્ફો ને ટકરાયાનુ પણ યાદ છે.
તમને સંધ્યા સમયે જોયાનુ યાદ છે, દીલની ધડકન થોડી રોકાયાનુ પણ યાદ છે.
એક હસતો ચહેરો નજરમાં વસ્યાનું યાદ છે, તેની નજરના કામણ ચાલ્યાનું યાદ છે.
તેમના ભોળા સ્મિતનું લહેરાવું યાદ છે, ને તેના ગાલમાં ખંજનનું પડવું પણ યાદ છે.
એક સુંદર સપનું આંખોમાં ભરી લીધાનું યાદ છે, મારું તેનામાં ખોવાવું પણ યાદ છે.
તારી યાદમા રાત ભર જાગવુ પણ યાદ છે, ને દર્દમા મારુ મુશ્કરાવુ પણ યાદ છે.
દીલમા નામ ને હોઠોનુ ચુપ રહેવુ યાદ છે, તારો દીવાનો હોવાનુ આજ પણ યાદ છે.
સમયની જેમ બસ તારુ સરી જવુ પણ યાદ છે, ને ક્ષિતિજમા તને શોધવુ પણ યાદ છે.
એક સુન્દર સપનુ જીવી ગયાનુ મને યાદ છે, સમય સાથે મારુ યાદ બનવુ પણ યાદ છે.

Thursday, February 5, 2009

"જીદગીને પણ ધોતા ગયા"

વાતોવાતોમાં એવા મશગુલ થયા, કે સાહીલનાં સાથમાં અમે તો દીલની નૈયાને ડુબાડી ગયા.
જાણે અણજાણે તમે લાગણીઓ સાથે રમી ગયા, તમારી તે વાતોને અમે તો વાયદો સમજી ગયા.
તારી યાદમાં એકલતાની દોસ્તી કરી ગયા, સંધ્યા થતા જ અમે તો પડછાયાને પણ છોડી ગયા.
આશુંની ભીડમાં અમે ખુસીઓ ને ભૂલી ગયા, રડતા રહ્યા એવું કે જાણે જીદગીને પણ ધોતા ગયા.

Monday, February 2, 2009

"અછત રહી"

નયનની ભીનાશની હવે અમને આદત થઈ, ને હોઠોની હસી જમાનાથી દદૃને છુપાવતી રહી.
દીલની ધડકનને કેમ સમજાવું કે આરામ કરે, જોને આજ પણ તેના પર તારા નામની અસર રહી.
વરસો તો વહેતા ગયા પણ અમે તમને ભૂલી ન શક્યા, વસંત પણ આવીને હવે પાનખર થઈ.
આમતો ન હતી કમી અમને દોસ્તોની જીવનમાં, છતાં કેમ મને જીવન ભર તારી જ અછત રહી.

Sunday, February 1, 2009

"મંજીલ છે તે મારી"

ખોવાયો હું જો તમારા નયનનાં સાગરમાં, બની માજી મને કિનારો ન દેતા.
ચમકું જો સંધ્યા સમયે બનીને આગિયો, તો બનું હું સૂરજ તે આશ ન કરતા.
મંજીલ છે તે મારી કોઈ મને સાથ ન દેતા, નહી જ ભટકું મને વાટ ન દેતા.
છુ હું દીવાનો તમારો ખબર છે તમને તો, બસ તમે તો મને પાગલ ન કહેતા.
કહું છું નથી હું શીવ કે અટકાવી શકું ઝહેર કંઠમાં, તમે તો મને ઝહેર ન દેતા.

"બગીચામાં"

બગીચામાં પત્તે પત્તે તેનો અહેસાસ છે, તેની સુવાસ હર ફૂલમાં વરતાય છે.
મહેફીલમાં ચારે તરફ એકલતાની ભીડ છે, તેની ખોટ મહેફિલમાં વરતાય છે.
ખાલી ઘરમાં સપનાનાં ટુકડા વીખરાય છે, તેને જોડવાની કોશીશ બેસુમાર છે.
વેરાન જીદગીમાં લાગણીની ભીનાશ છે, બનીને આંશું તે નયનથી છલકાય છે.

Saturday, January 31, 2009

"સમયનો પવન "

ભૂલ મારી હતી ને થોડી જીદ તમારી પણ હતી, ને કદાચ સમયનો પવન એવો ફૂંકાયો હતો.
તમે પણ મારી જેમ થોડા જુઠ્ઠા પણ હતા, ને અમે તો હસીને જુઓ જમાનાને છેતરતા હતા.
બનીને યાદ તમે એવા આસપાસ હતા ને અમે જીવન ભર યાદોની ભીડમાં ખોવાયેલા હતા.
સાગરના તોફાની મોંઝાનો સહારો હતો, નહીતો સાહીલનો અમારા જીવનમાં ક્યાં કિનારો હતો.

"આમ કેમ થાય છે"

દોસ્તો બતાવો શું કરું આમ કેમ થાય છે,
મારી ગલીમાં મારું જ ઘર કેમ ખોવાય છે?

કહ્યું હતું તમને કે નાજુક છે દિલ અમારું,
તમારી બસ એક નજરથી વિંધાઈ જાય છે.

ખબર છે નથી પાસે પણ મહેસુસ થાય છે,
કરું છું નયન બંધ તો કેમ તે દેખાય છે.

કરું તો છું હું કોશીશ ભુલવાની તેમને,
ન જાણે કેમ હરપળ યાદ આવી જાય છે.

"ચાહત"

વાયદો તો ન હતો તમારો મળવાનો પણ,
ક્યારેક તો તમે આવશો તે કહ્યાનું યાદ છે.

તમારા પગલાની આહટથી ધડકન તેજ છે,
ને હર ધડકનમાં તારી ગુંજ આજ પણ છે.

હવાના હર ઝોકામાં તારી ખુશ્બૂં છે કે,
તારા સ્પર્શની અસર મારા બદનમાં છે.

તને પણ આવે મારી વેદનાનો થોડો અંદાઝ,
ને આવો મળવા તે એક નાની ચાહત છે.

"તમે"

તમે નીકળોને ચાંદની વાતો ન નીકળે તે કદી ન બને, તમારી ઝૂલૂફોમાં ચાંદનીના દર્શન કરું.
તમે નીકળોને વિજળી ન શરમાય તે કદી ન બને, તમારા એક સ્મિત માટે આંશુથી દરીયા ભરું.
તમારી નજરના જાદૂની અસર ન હોય તે કદી ન બને, નજરનો દિવાનો હું તમારી ગલીમાં મરું.
તમારા શબ્દોની હું અવગણના કરું તે કદી ન બને, તમારી વાતોને તો જુઓ હું વાયદા સમજું.
તમારા પગરવને હું જો ન પહેચાનુ તે કદી ન બને, તમારા પગલે પગલે હું મારા પાળિયા કરું.
તમે આવોને હું દીવો ન કરું તે કદી ન બને, તમે કહો તો મારું ઘર બાળીને પણ અજવાળું કરું.
તમે હસતા હસતા સજા ન કરો તે કદી ન બને, તમને ખુશ જોવા કાજ હર સીતમને હસીને સહું.
તમને હું ન મળુ પણ યાદ ન કરું તે કદી ન બને, તમારા નામની હું જુઓ જીવન ભર આહો ભરું.
તમે આવો મારી કબર પર તે કદી ન બને, જો આવો તો મને જીવતો કરવા ખૂદાને મજબુર કરું.

Monday, January 26, 2009

"દોસ્તી"

ઝૂકી હશે ડાળીઓ કદાચ તેમના જ માનમાં, મહેકે છે જાસ્મિન આજ ચમનમાં.
હશે થોડી મસ્તી હવાના ઝોકાંમાં, નહીતો ઉડે નહી તેમની ઝુલ્ફ આમ પવનમાં.
પથરાઈ છે ચાંદની તેના બદનનાં તેજમાં, કહી દો ચાંદને ન રાખે ભરમ મનમાં.
હશે કાંઇક તો જાદૂ તેમના નયનમાં, નહીતો ચૂકે નહી ધડકન આમ કોઇની યાદમાં.
હશે કોઇ સારી લકિર જરૂર અમારા હાથમાં, નહીતો થાય નહી દોસ્તી વાતવાતમાં.

"દીવાની સંધ્યા"

આવી તે પરવાની આવી, રૂમજુમ રૂમજુમ કરતી આવી.
ગગનમાં રંગો ભરતી આવી, વાદળથી વાતો કરતી આવી.
હવાના ઝોકાં પર આવી, સાગરની લહેરો બનીને આવી.
યાદોની વણજાર લઈ આવી, આંખોમાં સપનું બની આવી.
સિતારાનું તોરણ લઈ આવી, ચાંદને તે ચમકાવતી આવી.
દીલમાં એક લહેર આવી, તેના પગરવના ભણકારા લાવી.
પત્તાને લહેરાવતી આવી, તેના અવાજની ગુંજ લઈ આવી.
ખૂલ્લી બારીથી આવી, ખાલી કમરામાં તેનો અહેસાસ લાવી.
તેના બદનની ખૂશ્બૂ આવી, જરૂર દીવાની સંધ્યા છે આવી.

"લકીર"

હશે જરૂર ક્યાંક મારા હાથમાં એક નાની શી લકીર.
બની હશે જરૂર સંધ્યા સમયે તે નાની શી લકીર.
યાદ છે જોયાનું, તેમના નયનમાં નાની શી લકીર.
બનીને લહેર દીલમાં લહેરાય છે નાની શી લકીર.
છૂંપાવી હતી અમે હજારો લકીરોમાં નાની શી લકીર.
છૂંપાવી હતી જમાનાથી જેને તે નાની શી લકીર.
આગિયાને ચાંદ બનાવ્યો હતો તે નાની શી લકીર.
હતી મારી તકદીર, કે હતી હાથમાં નાની શી લકીર.
તેમના સાથનો ભરોસો આપતી હતી નાની શી લકીર.
ન હતી પરવા કોઈની, હતી હાથમાં નાની શી લકીર.
નાજુક નમણી હાથમાં મહેકતી તે નાની શી લકીર.
નથી ધોતા હાથ, કદાચ ધોવાઈ જાય નાની શી લકીર.
શોધતો હતો સદીઓથી જેને તેના નામની તે લકીર.
હશે તેમના હાથમાં પણ કદાચ એક નાની શી લકીર.Sunday, January 18, 2009

"સમજો ને"

તમને ના સમજાય તે મન માનતું નથી, મારા મનની વાત કાંઈ એટલી જટીલ પણ નથી.
દીવાનો તો છું તારો તે માનું છૂં, પણ તારી નજરને ન સમજું એટલો દીવાનો પણ નથી.
સમજીને ના સમજવાની તારી આદત હશે, ને ના સમજો તો સમજાવાની મારી જીદ પણ છે.
તને તો ખબર છે કે હું શું સમજાવાના પ્રયાસમાં છું, તું જલદી જલદી સમજે તેવી ચાહત છે.

Saturday, January 17, 2009

"ખબર ન હતી"

રણમાં પણ મને મળશે ગુલાબ તેની ખબર ન હતી.
હશે સંધ્યાનો મારા જીવનમાં સાથે તે ખબર ન હતી.
હશે કાઈના દીલમાં આવી મોકળાશ તે ખબર ન હતી.
થશે તેમાં મિઠાશનો આવો વરસાદ તેની ખબર ન હતી.
મૃગજળની હશે મને પણ થોડી પ્યાસ ખબર ન હતી.
કબરમાં પણ આવશે તેની બસ યાદ તે ખબર ન હતી.

"ખૂશીના રંગે"

ખૂશીના રંગે પૂરી હતી અમે રંગોળી ને સજાવ્યું હતુ ઘરને તમારા આવવાની ખબર થકી.
રાખી ખુલ્લી ઘરની બારીઓ બેઠા હતાને સજાવયા હતા હવાના ઝોકાને તેમની ખૂશ્બૂ થકી.
સંધ્યાને સજાવી હતી તેમની યાદોથી ને પલકોને સજાવી હતી તેમના સુંદર સપના થકી.
ચાંદનીને સજાવી હતી અમે તેમના સ્મિતથી ને ચાંદે લીધી જો રૂખસદ તેની શરમ થકી.
યાદ નથી ગુજારી કેટલી સદીઓ દિવાસ્વપ્ન થકી, ચાહું જાય જીદગી તેને યાદ કરવા થકી.

"દીવાનગી"

ફૂલોની અછતનો કોઈ ગમ નથી, હતો ખૂસ્બુનો સાથ તે શું કમ નથી.
રણ છે સુમસામ તો કોઈ ગમ નથી, મૃગજળનો અહેસાસ શું કમ નથી.
નથી આવતું કોઈ મળવા ગમ નથી, તેના પગરવની ગુંજ શું કમ નથી.
છું હું એકલો તેનો કોઈ ગમ નથી, પડછાયા નો કોલાહલ શું કમ નથી.
ઘર છે ખાલી કોઈ ગમ નથી, વીખરાયેલા સપનાના ટુકડા શું કમ નથી.
મારા દીલે દદૃનો કોઈ ગમ નથી, સાથે મૂશ્કરાયા હતા તે શું કમ નથી.
ન મેળવ્યું જીવનમાં કોઈ ગમ નથી, લોકો કહે તારો દીવાનો શું કમ નથી.
ન દીધું કોઈયે કોઈ ગમ નથી, તમે દીધેલ આ દીવાનગી શું કમ નથી.
મારી દીવાનગીનો કોઈ ગમ નથી, ખૂસ છો તમે શું તે કાઈ કમ નથી.
મરીશું એક દીવસ કોઈ ગમ નથી, બળશે સાથે દીવાનગી શું કમ નથી.


"તું તો હતી"

વાદળથી વાતો કરતીને ચાંદને શરમાવતી, નયનથી જાદૂ કરતી તું તો હતી.
મારી નાની નાની વાતો પર ખિલખિલ હસતી, ને મારી કવિતા તું તો હતી.
ન હતી કોઈ તરસ મને પણ બનીને મૃગજળ રણમાં મને દોડાવતી તું તો હતી.
દીવસે યાદ બનીને રાતે સપનું થઈ મને સતાવતી કોઈ ઓર નહી તું તો હતી.
મારા સુખ ને દૂખની સહભાગી, ને મારી વાતોને વાયદા સમજતી તું તો હતી.
દીલની દીવાલોમાં ધડકન થઈને, જીવનમાં સંધ્યાના રંગો ભરતી તું તો હતી.


Saturday, January 10, 2009

"દીવાસ્વપ્ન"

સાહિલ તો કાબેલ હતાને સાગરમાં તોફાન ન હતા, ડરતા હતા અમે જ કદાચ કિનારા થકી.
હતો તેની નજરનો નશો કે અમારી નજાકત, ડરતા હતા કદાચ મિલાવતા નજરને નજર થકી.
મંજીલ તો સામે હતીને રસ્તાની અમને ખબર હતી, અમને કદાચ ભટકી જવાની આદત હતી.
સમય હતો ને ચાહત પણ હતી આસપાસ રહેવાની, ને રહ્યા કરતો હતો હું કેમ દૂર તેમના થકી.
ધબકતું હતું તારું જે નામ દીલની હર ધડકનમાં, અટકતું હતું કેમ બસ હોઠોની આ સરહદ થકી.
કરતો હતો પ્રયત્ન્ જેમ ભૂલવાને, આવ્યા કરતા કેમ બની તમે યાદોની લહેર ચારે દિશાઓ થકી.
હતી તડપ મારી તેને મળવાની ને કદાચ તેની પણ, રોકી રાખી હતી સમયના બંધન થકી.
કોને કહ્યું નથી મળતા અમે રોજ, અંદાજ છે નિરાળો મળવાનો સંધ્યા સમયના દીવાસ્વપ્ન થકી.

"સમય"

તેમને સમયનો સહારો હતો, ને સમય કદાચ અમારો ન હતો.
હતી અમને બસ એક નાની આશા, મોટો કોઈ અભરખો ન હતો.
ચાંદને ચાંદનીનો સહારો હતો, અમને યાદોનો કિનારો તો હતો.
તારી જરૂરત સમય પસારની, મારા જીવન મરણનો સવાલ હતો.

"કયાં છો ?"

મૂંશ્કરાવ છું સમય તો છે સંધ્યાનો, ને તેની યાદો ના કાફલાને આવવાનો.
બનીને મસ્ત બેઠો હવે સમય છે બસ રાત ભર તેના સપનામાં રાચવાનો.
ગણું છૂં હું તારા રોજ, છે સમય ખોવાયેલા તે અનમોલ તારાને શોધવાનો.
તને ખબર હશે મારા હાલ, ને એવું નથી કે સમય નથી મળવા આવવાનો.
ન કરો જીદ તમે ને આવી જાવ હવે, સમય તો થયો છે તમારા આવવાનો.
ચાલી જો આખી રાતને ન આવ્યા તમે, સમય થયો હવે મનને મનાવવાનો.

થઈ સવાર, મૂંશ્કરાવ છું મને આજ આંનંદ ચાંદ ને તારાઓ ને હરાવવાનો.

Thursday, January 8, 2009

"ઝખ્મોને"

તમે તો થાવ છો રોજ ક્યારેક મને તો નારાજ થવા દો,
કહેવી છે તારા સિતમની વાત પણ આજ જવા દો.

સંધ્યાનો સમય છે મને બસ એકલો આજ તો રહેવા દો,
મને ચાંદના દીલ પરના ડાગ બેસીને તો ગણવા દો.

શું થશે હવે વધું મારું ખરાબ જે થાય તે હવે થવા દો,
છે હોઠ પર એક નામ કહે દૂનિયા દિવાનો તો કહેવા દો.

દીલમાં છે જે આગ તે બસ આંશુંથી તો બુઝાવા દો,
કરીશું ફરી દોસ્તી પણ આ જૂના ઝખ્મોને તો રૂઝાવા દો.

Saturday, January 3, 2009

"દરીયા ભરું"

ફૂલોના રંગોમાં તને શોધ્યા કરું, જાસ્મિનની સુંગંધમાં તને મહેસુંસ કરું.
તારી એક નજર માટે તડપ્યા કરું, હવાના ઝોકાને તારી ખબર પુછ્યા કરું.
તારા સુમસામ શહેરમાં ભટક્યા કરું, મારા પડછાયા સાથે વાતો કર્યા કરું.
બની આગિયો સંધ્યા સમયે ચમક્યા કરું, બસ તને રાત ભર જોયા કરું.
બેફામ આંધીંઓમા કરે તું દિવો, હું મારા ખોબાથી આંધીંઓને રોક્યા કરું.
તારી ખુશીને તારી હરએક નાની નાની સફળતા પર હું બસ હરખાયા કરું.
દે તું સાદ મને મળવા માટે, તને મળવા કાજ હું આગનો દરિયો પણ તરું.
ન આવે જો તું મળવા મને, બસ તારી યાદના સહારે જીંદગી જીવ્યા કરું.
ન બની શકું તારી મંજીલ તો તારા પગલે પગલે મારા પાળીયા કરું.
ન હોય જો તું મારા હાથની લકિરોમાં તો હું વિધાતાની સાથે ઝગડો કરું.
કરે કોષીસ જમાનો તને સતાવવાની તો હું આખી દૂનિયા સાથે પણ લડું.
હું ચાહું કે ન આવે પાનખર કદી તારા જીવનમા ખૂદાને તે પ્રાથના કરું.
ને છતા આવે જો કોઈ દૂખ તારા જીવનમાં તો હું રોઈ રોઈ ને દરીયા ભરું.

Thursday, January 1, 2009

"ગયા"

તે પળની નજાકત એવી હતી કે શબ્દો ઓંગળી ગયા,
તે આવજો કહીને ગયા ને અમે બસ દેખતા રહી ગયા,
એવું ન હતું કે કહેવું ન હતું ને ન શબ્દોની અછત હતી,
નાની એક આશા હતી પણ કદાચ તે શબ્દો ગળી ગયા,
ગયા એવા કે પાછા ન ફર્યા અમે રાહ દેખતા રહી ગયા,
મળે તો કોઈ કહેજો કે અમે હવે દૂનિયા છોડી ને ગયા.

"સંધ્યા સમયે"

તે પળ કાઇ એવી હતી કે હતો તેની નજરનો જાદૂ,
સમય વહેતો ગયો ને ધડકન રોકાયાનુ યાદ છે,
સંધ્યા સમયે તમને જોયાનું યાદ છે.

તમે બસ ચૂપચાપ હતા ને અમે હતા બસ ગૂમસુંમ,
હવાના નાજુક ઝોંકા તારી જૂલ્ફોમાં અટવાયાનું યાદ છે,
સંધ્યા સમયે તમને જોયાનું યાદ છે.

સાગર શાંત હતો ને તોફાન ના કોઈ વાવડ ન હતા,
દીલમા ઊઠેલી લહેરમાં ખુદ નાખૂદા ડુબ્યાનું યાદ છે,
સંધ્યા સમયે તમને જોયાનું યાદ છે.

મારી મંજીલ કોઇ ઔર હતી ને મંજીલની મને ખબર હતી,
મંજીલની તલાસમાં અમને મંજીલ ખોવાયાનું યાદ છે,
સંધ્યા સમયે તમને જોયાનું યાદ છે.

નથી સાથ તો શું થયું યાદોની વણજાર તો છે,
હોઠો પર એક નામ લઇ સદીઓ જીવ્યાનું યાદ છે,
સંધ્યા સમયે તમને જોયાનું યાદ છે.

મરણ તો છે દૂર પણ કર્યા છે બંધ નયન અમે,
આવો તમે બની સ્વપ્ન તેવી એક નાની આશ છે,
સંધ્યા સમયે તમને જોયાનું યાદ છે.