Saturday, April 25, 2009

"સંતાકૂકડી"

જોઉ છું હું રોજ, આ વાદળી પાછળ, ચાંદનું છુંપાવું,
રમતા હશે તે સંતાકૂકડી.

તારું સંતાવું, મારું પકડવું, ને પછી તારું તે ઝઘડવું,
રમતા આપણે તે સંતાકૂકડી.

મારુ સંતાવુ, તારું શોધવું, ને મારું દોડી થપ્પો કરવું,
મઝાની રમત આ સંતાકૂકડી.

જોઉ છું હું આજ, આ હસતા લોકો, ગળે મળતા લોકો,
એકબીજા સાથે રમે સંતાકૂકડી.

તમને રહયું યાદ, ને સંતાયા એવા, કે શોધું હું દિનરાત,
ન રડાવો રમી તમે સંતાકૂકડી.

ન કરો જીદ હવે, હારવું છે હવે કબુંલ, નથી રમવી મારે,
આ કાતિલ રમત છે સંતાકૂકડી.

તમે પકડાઈ જાવને, વિનવું છું તમને, કે હવે થાક્યો છું હું,
જીવનભરનો દાવ આ સંતાકૂકડી.

સમજું છું હું, બનાવે નહી રમત આવી, જો ન હોય પ્યારી,
કુદરતને પણ રમવી આ સંતાકૂકડી.

"ઈન્તજાર"

આમ તો ન હતી કાબેલીયતની કોઈ કમી પણ,
કદાચ તમે જ અમને અજમાવ્યા તો ન હતા.
કહયું તો હતું તોડી લાઉ ચાંદને સીતારા પણ,
તમે જ ક્યારેય મને 'હા' પાડતા તો ન હતા.

ન કહી કે ન સમજાવી શક્યો દીલની વાત તને,
તમે સમજવાની કોશીશ કરતા પણ ન હતા.
હશે ભૂલ અમારી કે ન કહયું કદી "ચાહું છું તને",
પણ નયનથી અમે વાત કરતા ડરતા ન હતા.

છે આજ પણ તામારા પગલાની છાપ આંગણમાં,
તારા પગરવના ભણકારા અમસ્તા ન હતા.
ભરીને બેઠો છું મારું ખાલી ઘર તમારી યાદોમાં,
અમારા ઘરમાં અમે સાવ એકલા તો ન હતા.

કહે છે જમાનો કે હવે બદલાઈ ગયા છીએ અમે,
અમારા ઘરમાં અમે આયનો રાખતા ન હતા.
છે આજ પણ મને એક સાથને દોસ્તી પડછાયાની,
તારા શહેરમાં અમે સાવ અજનબી તો ન હતા.

કિનારે ટકરાવુંને ચૂર થવું કદાચ મારું નસીબ હશે,
અમે કાંઇ દરીયાની બસ એક લહેર તો ન હતા.
કદાચ આ મૂફલીશી અમારી દીવાનગીની હદ હશે,
બધાના નસીબ કાંઇ મારા જેવા સારા ન હતા.

હશે કદાચ જરૂરી જીવનમાં તારા અહેસાસનો ભરમ,
નહી તો અમે આટલા નિસહાય ક્યારેય ન હતા.
તમે તો ન કહો કે નથી કરતા અમે ઈન્તજાર તમારો,
જમાનાના લોકો આમ જ દિવાનો કહેતા ન હતા.

Sunday, April 19, 2009

"વૈશાખ"

ધોમધખતો સૂરજને વૈશાખના વાયરા,
તેમા કોયલના ટહૂંકાને તારી ફરફરતી આવી યાદ.

સંધ્યાનો સમયને તારો મને ઈન્તજાર,
પગરવના ભણકારાને તારા આવવાનો છે આભાસ.

સુંદર તારું સપનુંને મારું કરવટ બદલવું,
સપનાનું ફરી આવવું ને પાછું તમારું જ એક સપનું.

રાત આખી જાગવુંને સિતારાનો મને સાથ,
તારી દીધેલ દિવાનગી પર લોકોનું મંદ મંદ હસવું.

સમયની સાથે તારું સરવુંને મારાથી દૂર થવું,
ધખધખતા વૈશાખમાં પણ નયન વાદળનું વરસવું.

સદીઓનું આ જીવનને હોઠો પર તારું નામ,
સમયનું પલટાવુંને જીવનમાં વૈશાખનું અખંડ રહેવું.

Wednesday, April 15, 2009

"પડછાયો"

તારી દોસ્તીનો એક સહારો હતો,
મને વરસો વરસનો તારો સાથ હતો.

મારી સાથે હંમેશા ચાલતો હતો,
માનતો હું કે તું મારો પડછાયો હતો.

લાંબો થઇ મને પડકારતો ને,
બપોરે મારામાં તું જ સમાતો હતો.

દિવસ ભરનો તારો મારો સાથ,
રાતે તું ક્યાં ગાયબ થઈ જતો હતો?

રાત ભર આવે તારી યાદ ને,
સવારે તને જોઈ ને ખુશ થતો હતો.

ન કહ્યું કદી મેં 'હું ચાહું છું તને',
આ નાની ભૂલથી મારાથી ખફા હતો?

તું કહેતો કે સદીઓનો છે સાથ,
તને હવે કેમ મારો ભાર લાગ્યો હતો?

કેમ કહું કે તારો છે કાંઈ વાંક,
તું તો બીજા કોઈકનો પડછાયો હતો.

Saturday, April 11, 2009

"અતીત"

અમે તો અમસ્તા જ મિલાવી હતી નજરથી નજર,
ક્યાં ખબર હતી કોઈ નયનથી દીલના રસ્તે ઊતરી જશે.
લઈને આવી વસંત ખુશીની એક લહેર ચમનમાં,
ક્યાં ખબર હતી બગીચાને વસંત જશે, પાનખર આવી જશે.
તમે મંજીલ હતાને અમે મંજીલ પહોચવામાં હતા,
ક્યાં ખબર હતી કે મારા પગ છેલ્લી ઘડીએ મને છળી જશે.
હતું એક નાનું સપનું કે આપણું પણ એક ઘર હશે,
ક્યાં ખબર હતી કે સમયની સાથે બધું જ અતીત થઈ જશે.
આવ્યા હતા તમે તો અમસ્તા મારી કબર પર,
ક્યાં ખબર હતી તમને આ પાગલ ધડકન ફરી શરું થઈ જશે.

Saturday, April 4, 2009

"રણની વિરડી"

દોડતો રહયો એક મૃગજળની તડપમાં, જોઇ વિરડી તે રણની વિરડી તું જ હતી.
મારી મંજીલ તરફ આંગળીને ચીંધતી, મારા આ જીવન નો ભોમીયો તું જ હતી.
મારા તે સપનાને સાકાર કરવા માટે, ખુલ્લી આંખે બસ સપના જોતી તું જ હતી.
જ્યારે ટપક્યા કોઇની યાદમાં આંસું, મારા આંસુને ખોબામાં જીલતી તું જ હતી.
મારા દીલની ધડકન કોઇ ઔર હતી, મારા દીલની ઘડકન સાંભળનાર તું જ હતી.
કેમ કહી દઉ કે તું મારી કાંઈ ન હતી, મારા દુખની સાથી મારી દોસ્ત તું જ હતી.