Monday, May 25, 2009

નથી ગમતા

મને તારી ઝલક જોવી ગમે છે, પણ આ સૂના ઝરૂખા નથી ગમતા.
મને તારી બારી તો ગમે છે, પણ આ સ્વર્ગના દરવાજા નથી ગમતા.

મને ઉંડા સાગર તો ગમે છે, પણ આ ઉછાંછળાં ઝરણાં નથી ગમતા.
મને રણના ઝાંઝવા તો ગમે છે, પણ આ છીછરા સરોવર નથી ગમતા.

મને કાળી કોયલ તો ગમે છે, પણ આ ઠગભગત બગલા નથી ગમતા.
મને તમારો ભરમ તો ગમે છે, પણ આ સત્યના તમાશા નથી ગમતા.

મને અડગ આકાશ ગમે છે, પણ આકાર બદલતા વાદળ નથી ગમતા.
મને સમય થઇ સરવું ગમે છે, પણ આ સમયના પલટા તો નથી ગમતા.

મને તમારી યાદોનો સહારો છે, હવે મને કોઇના સથવારા નથી ગમતા.
મને એકલતાની તો આદત છે, હવે ઘરમાં આ અરીસા પણ નથી ગમતા.

મારી પસંદગી તો થોડી ઉચી છે, હવે મને જેવા તેવા કોઇ નથી ગમતા.
મને તમે તો બહું ગમો છો પણ, હવે મને બીજા કોઇ પણ નથી ગમતા.

Wednesday, May 20, 2009

જીવન નૈયા

ચોરીને લઇ જાય છે, ફૂલોની ખુશ્બૂ, હવાનુ ઝોકું આજ,
કોની ખુશ્બૂના અહેસાસે, હું ઉભો ઉભો મહેકું છું આજ.

પલકો પર સજાવ્યું, ને નયનમાં વસાવ્યું સપનું આજ,
પલકોથી સરકીને તે, દીલમાં ધડકે છે ધડકનની સાથ.

સંધ્યાના પ્રસરતા રંગોમાં, પા પા પગલી આવી યાદ,
યાદોની ચાદર ઓઢીને, જાગુ ચાંદની સાથે આખી રાત.

કોઇ તો મને આપો, મારા ઘરના રસ્તાનો નક્શો આજ,
ખોવાઇ જવાશે, નયનથી દીલના, અટપટા રસ્તામાં આજ.

મધદરીયે ઉઠ્યા તોફાનો, ને ડોલે મારી જીવન નૈયા આજ,
નથી પહોચવું કિનારે મારે, જોવી છે મારે નાખુદાની વાટ.

નથી હું શીવ, ને બની ગયા છો તમે, ભાગીરથી કોને કાજ,
તમને સ્વર્ગથી ઉતારી લાવવાના, ભગીરથ ઇરાદા છે આજ.

Saturday, May 16, 2009

દોસ્તી

નદીઓને દોસ્તી સાગરની, આવે છે જો મળવા પાસ પાસ,
દોસ્તી છે હવાના ઝોકાની, લહેરને રહેવું ઝોકાની આસપાસ.

હાથ પકડી ઝોકાનો, લહેર સફર કરે સાગર પર ફાસમફાસ,
નથી કોઈ ફીકર ટકરાવાની, જાય કિનારાની પણ આસપાસ.

મજા છે તારો હાથ પકડી રખડવાની, રસ્તે રસ્તેને વાટ વાટ,
નથી પહોચવું હવે મારે મંજીલ, તું જો છે મારી બસ આસપાસ.

તું કરતી રહે મને તારી વાત, ને હું શબ્દ બનીને રહું પાસ પાસ,
કોને ફીકર છે આ જમાનાની, આપણી દોસ્તી તો છે ખાસ ખાસ.

કરે છે લોકો વાતો આપણી, જો ને આખો દીવસ અહી આસપાસ,
આખા મલકને લાગે છે કેમ, કે આપણે કરીયે બસ ટાઈમ પાસ?

છે મારા પણ થોડા ખાસ, ને છે તારા પણ ખાસ તારી આસપાસ,
જ્યારે તમે નથી હોતા મારી પાસ, લાગો છો કેમ મને આસપાસ?

તડપ ને તરસ

કરતા હતા અમે પણ બંદગી, ને હતા કદાચ તમે જ બસ અમારી જીદગી,
ન કાબા કે કાશીની જરૂરત હતી, તમારા ઘરના રસ્તાથી પરીચિત તો હતા.

ચાલ્યા હતા આપણે સાથે ચાર કદમ, ને ખબર હતી નથી તમે મારા હમસફર,
ક્યારેક આપણે ખુલ્લી આંખે, દૂર ક્ષિતીજમાં ખોવાવાના સપના જોયા તો હતા.

શોધું છું તમને કેટલી સદીઓથી, ને ખબર હતી મને કે તમે છો મારી સરસ્વતિ,
આમ તો અમે પણ સાગર છીએ ને હજારો નદીઓને હરરોજ મળતા રહેતા હતા.

તમને પામવાની એક ખ્વાઇશ હતી, ને આ કેવી તડપ હતી ને કેવી તરસ હતી,
બનીને હવે શીવ, અમે પણ તારા હર એક સીતમને ચુપચાપ પીતા રહેતા હતા.

કરે છે લોકો લાખ કોશીશો જીવનભર, આ ભવસાગરમાં એક કિનારા ને પામવા,
મારા નસીબ સારા હશે, તારા દીધેલ એક નહી તડપને તરસ બે કિનારા હતા.

Saturday, May 9, 2009

પરાયા

છોડીને અહંકારના ડુંગર અમે તો આવ્યા,
નાના મોટા ખાટા પ્રસંગો મુંકીને પણ આવ્યા.

હોઠો પર એક તારું નામ લઈને જો આવ્યા,
પલકો પર એક નાની ઉમ્મીદ લઈને આવ્યા.

કબુલ કે મોડા છીએ પણ આખરે તો આવ્યા,
આખી દૂનીયાને અમે તો ઠોકર મારીને આવ્યા.

તમને સમયના તે બંધન આજ નડી આવ્યા,
કદાચ કરેલી ભૂલોના પડછાયા વચ્ચે આવ્યા.

ચાલ્યા ગયા તમે દૂરને વધું નજીક આવ્યા,
તમે યાદોમાં આવ્યા ને સપનામાં પણ આવ્યા.

હતા જે નજીક તે અજનબી બનીને આવ્યા,
પોતાના હતાને આજ તમે પરાયા થઈને આવ્યા.

જેવા પણ આવ્યા સારું છે તમે આજ આવ્યા,
તને ખુશ જોઈને કોરા નયન તો છલકાઈ આવ્યા.

Friday, May 1, 2009

આરઝૂ

કહી હતી ધીમા સાદે તમે વાત એક ને અમે પણ એક,
ગાજે છે આજ પણ તેના પડઘા કેવા અનેક.

ઉઠી હતી તારી ઉમ્મીદની લહેર એક ને મારી પણ એક,
આવ્યો કિનારો તો હતા અહીં પથ્થરો અનેક.

ચાલ્યા હતા મારા તરફ ડગલું તમે એક ને અમે પણ એક,
સમયને પલટાવા માટે હતી દિશાઓ અનેક.

હોય આપણું ઘર તે સપનું તારું એક ને મારું પણ એક,
લાગ્યું હશે લોકોને કે કરીશું સર શહેર અનેક.

તૂટ્યું હતું તે તમારું સુંદર સપનું એક ને અમારું પણ એક,
જોડીયે છીએ આજ પણ સપનાના ટુકડા અનેક.

દફનાવી હતી આરઝૂ દિલમાં તમે એક ને અમે પણ એક,
આજ પણ છે સલામત લાગણીઓના સ્ત્રોત અનેક.

કરો લાખ કોશિશ નથી મરતી આરઝૂ એક ને તડપ એક,
કાયમ રહે છે સાથ જીવનમાં વેદનાઓનો અનેક.