Saturday, December 11, 2010

ગુસ્તાખી

નથી થતી હવે મુલાકાતો પણ ખયાલોમાં તું રહી,
ન હતી મુક્કદરમાં પણ ગમે-અફસાનામાં તું રહી.

પૂછાયા જ્યારે વેધક સવાલો તો જુબાન ચુપ રહી,
આમ તો હતા જવાબો પણ તે સવાલોમાં તું રહી.

કરી ભુલવાની ઘણી કોશીશો પણ નાકામયાબ રહી,
આ યાદોની વણઝારોના હર એક ચહેરામાં તું રહી.

કરી દે માફ, ફરી આજ મંદીરમાં એજ ગુસ્તાખી કરી,
ન હતી તારી ઈજાજત, પણ હર ઈબાદતમાં તું રહી.

Sunday, November 28, 2010

"ઝખ્મ નો મલમ"

પ્રેમમાં પણ કયાંક પામવાની ઝંખના છુપાઈ હોય છે,
જગતમાં બસ એક સાચી દોસ્તી જ નિસ્વાર્થ હોય છે.

ચાહવા વાળાના પણ રંગ સમય સાથે બદલાય છે,
દોસ્તો રંગીન હોય છે, પણ દોસ્તીના ક્યાં રંગ હોય છે.

જીવનમાં અંધારા આવે ત્યારે, રસ્તા ધુંધળા દેખાય છે,
હોય દોસ્તનો હાથ હાથમાં તો, સામે મંજીલ દેખાય છે.

જ્યારે પણ આપે છે ઝખ્મ આપણા ચાહવા વાળા ત્યારે,
એક સાચી દોસ્તીનો સહારો જ, ઝખ્મ નો મલમ હોય છે.

જયારે નથી હોતી કોઈ ઉમ્મીદ અને નથી હોતી અપેક્ષા,
ભાવનાની આવી ઉંચાઈને જ કદાચ દોસ્તી કહેવાય છે.

Saturday, October 16, 2010

વિશ્વાસ

દર્દને દિલની કબરમાં કેદ રાખું છું,
હોઠો પર સ્મિતનું એક ફૂલ રાખું છું.

દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,
તારા સ્મિતને આમ સલામત રાખું છું.

નયનમાં આંસુંના સમંદર રાખું છું,
સપનાની નાવ, આમ તરતી રાખું છું.

કરો છો યાદ, એવો વિશ્વાસ રાખું છું,
આવો તે આશમાં, ચાલુ શ્વાસ રાખું છું.

Saturday, October 2, 2010

જીવી લીધું

તારી નજરના નશામાં ઝુંમી લીધું, ચાર કદમ સાથે ચાલી લીધું,
ફેરવી લીધી તે નજરને તો શું થયું, અમે એકલા પણ જીવી લીધું.

ક્ષણો જોડી ભૂતકાળમાં સરી લીધું ,મૃગજળ કિનારે જાતને છળી લીધું.
તમન્નાઓના શહેરમાં ફરી લીધું, એક આરઝૂના સહારે જીવી લીધું.

ના થઈ શક્યો ચાંદ તો શું થયું, સિતારો થઈને થોડું ચમકી લીધું,
ક્યાં હતો ઊચાઈનો ગર્વ મને, કર્યો કોઈએ યાદ તો ખરી લીધું.


મળ્યું જોઇતું તો ખુશીથી હસી લીધું, ના મળ્યું તો ચલાવી લીધું,
ગુમાવ્યું કાંઇક તો મુશ્કરાઈ લીધું, બસ આમ અમે થોડું જીવી લીધું.

Friday, September 10, 2010

??

સાગરની આ ભરતીને, કહો હું શું કહું,
નદીથી બેવફાઈ કે પૂનમની ચાહત કહું.

બંધ હોઠોથી બોલતી આ વેદનાને શું કહું,
સાંભળો તો દવા, ના સાંભળો તો દદૃ કહું.

નયનમાં કંડારેલી આ છબીને, કહો હું શું કહું,
દિવસે દીવાસ્વપ્ન, ને રાતે તેને સપનું કહું.

યાદમાં નયન ઉભરાય તો જળજળિયા કહું,
તુ કહે આને તરસ કહું, કે તારી તડપ કહું.

કરુ છું રોજ ભુલવાની કોશીશો, તેને શું કહું,
તેને તારી યાદ કહું, કે મારી જીવનદોર કહું.

તમે પૂછો જો, કોણ છીયે તમારા, તો શું કહું,
તેને હું પ્રશ્ન કહું, કે મારા જીવનને પ્રશ્નાર્થ કહું.

Friday, September 3, 2010

મંજીલ ક્યાં દૂર હતી?

અપેક્ષાની નદીઓ હતી અને મારે તે તરવી હતી,
આશાની એક નાવ હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.

સબંધોની ગાંઠ હતી અને તફાવતોની ખાઈ હતી,
મારે બસ તે કૂદવી હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.

લાગણીની કેડીઓ હતી, થોડી ભૂલભૂલામણી હતી,
રીતરસમની વાડ હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.

જીવનભરની સફર હતી, મંજીલની ક્યાં ખબર હતી,
ઘર પાસે જ કબર હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.

Thursday, July 1, 2010

વાદળ છું

તમે કરો છો મંજીલની પુછતાછ, પણ દિશાહીન છું હું,
પકડી હવાનો હાથ, નીલગગનમાં રમતું વાદળ છું હું.

ન પુછો કે શું છે મારો આકાર, નિર નીરાકાર છું હું,
નથી મારો કોઈ આધાર, પણ વાદળ મૂશળધાર છું હું.

ખબર છે થઈશ ચુરચુર, પણ પહાડોથી ટકરાઉ છું હું,
ભીની વરાળ નથી, ઊડતો મહાસાગર છું, વાદળ છું હું.

પારદર્શકતા પર ન કરો શક, દિવાલ નથી, ધૂમ્મસ છું હું,
મન પડે તો વરસું, મારી મરજીનો માલીક છું, વાદળ છું હું.

લાગે દિલમાં આગ, તો કરજો મને યાદ, ઊનાળા ઠારું છું હું,
આકાશનું હું વસ્ત્ર છું, ને ઈન્દ્રદેવનું હું અસ્ત્ર છું, વાદળ છું હું.

છુપાવી લઉ તને દિલમાં આજ, સૂરજનો નકાબ છું હું,
ભીંજવી દઉ કરી ને, લાગણીનો વરસાદ, વાદળ છું હું.

ચડે તે પડે, આ પ્રક્રુતિના ક્રમથી ક્યાં પર છું, વાદળ છું હું,

નભનું તો નયન છું, ને વરસું તો વરસાદ છું, વાદળ છું હું.

Sunday, June 27, 2010

દોસ્ત

ક્યાંક આસપાસ અહી, મારો દોસ્ત હતો,
આ શહેર ને ક્યાં કોઈ, છેડો પણ હતો.

દિવસો, મહીના ને વરસો તો જતા હતા,
હે દોસ્ત, આજ પણ તારો અણસાર હતો.

જીવનનો કઠીન પથ, કાપવો બાકી હતો,
તારા અહેસાસનો સાથ, બસ હવે કાફી હતો.

સમયે પોતાનો ખેલ, કાંઈ એવો ખેલ્યો હતો,
વાંક તારો ન હતો, ને મારો પણ ન હતો.

અંતરે પણ સમયને, સાથ આપ્યો હતો,
આમ તો તું પાસ હતો, પણ ફાસલો હતો.

તારા ગયા પછી, હું સાવ એકલો હતો,
મારી મિલકતમાં, જુની યાદોનો કાફલો હતો.

Sunday, June 13, 2010

મારું ઘર

આંગણાંમા પગલાની છાપ હતી,
તે ક્યારેક આવ્યાની નિશાની હતી.

મારા ઘરના બારણાં તો ખુલ્લા હતા,
તેમને આવકારવા રાહ જોતા હતા.

ઘરની છત હતી કે તેની છબી હતી,
મારા નયનમાંથી ક્યાં ખસતી હતી.

મારા ઘરને ક્યાં કોઈ દિવાલો હતી,
ચારે તરફ અતિતની બારીઓ હતી.

બારીમાંથી અમે ડોકીયું કરતા હતા,
તારી યાદોની વણજાર જોતા હતા.

કોઈ ન કહો કે ઘરમાં એકલા હતા,
અમે ખુદ, આરઝૂના કાફલા તો હતા.

Friday, May 28, 2010

સેતુ

સંધ્યા સમયે તને, હાથોની લકિરમાં ફંફોસુ છું,
જો નથી મલતા લકિરમાં તો નસીબને કોસું છું.


હું સ્વપ્ન થઈને તારા નયનને ઘર બનાવુ છું,
ન આવો તમે સપનામાં તો પાંપણ પલાળુ છું.

તારુ નામ લખી પથ્થર પર, હું સેતુ બનાવુ છું,
તારા દિલ સુધી પહોચવાનો રસ્તો બનાવુ છું.

તને આવે મારી યાદ, તેવી જડીબુટ્ટી શોધુ છું,
વિખરાયેલા સબંધોને જોડવાની રીત શોધુ છું.

મૃગજળ તરવા કાજે, હું એક નાવ બનાવુ છું,
તુંટલા હલેસાથી, મારી જીવન નૈયા ચલાવુ છું.

Saturday, May 22, 2010

બેવફાઈ

બેવફા મને ન કહો, બેવફા અમે નહી આ દિલ રહ્યું,
મારું હતુ પણ તે મારું ક્યાં રહ્યું, તે તો તમારું થયું.

ન હતો તેને ધડકનથી પ્રેમ, છતા તે ધડકતુ રહ્યું,
હશે કાંઈક તો તમારામાં, ચાહતની અસરમાં રહ્યું.

તમે ગયાને એકલો રહ્યો, તે તારા સહવાસમાં રહ્યું,
શ્વાસે શ્વાસે એક વિશ્વાસમાં, તારું નામ જપતુ રહ્યું.

જીદગી ગઈ પણ એક આરઝૂ રહી, તે તરસતુ રહ્યું,
અમારી સાથે તે રહ્યું, પણ હંમેશા તે પરાયું જ રહ્યું.

સમજાવ્યું બહુ કે છોડ હવે, પણ તે બેકાબુ જ રહયું,
તારા કાજે જીવનભર, મારાથી બેવફાઈ કરતુ રહ્યું.

Saturday, May 15, 2010

વાતો

કરવી તો છે, અમારે પણ બધી વાતો,
ક્યાં થાય છે, હવે આપણી મૂલાકાતો.

વાતોમાં, તમે ન કરતા મારી વાતો,
વાતનું કરી વતેસર, લોકો કરશે વાતો.

કહો કોને સંભળાવું, હવે મારી વાતો,
અહી કોણ છે, જે સમજે મારી વાતો.

હોઠોની પાછળ, ગુંગળાય છે વાતો,
સમયની કેવી છે, કાતિલ આ કરવતો.

મણકા બનીને, નયનથી ટપકે વાતો,
મારી અદામાં, તમારી માળા જપતો.

કહી દઉં હવાને, હું આપણી તે વાતો,
સાંભળી હવા પાસેથી, મને યાદ કરજો.

Tuesday, May 4, 2010

સપના

કેટલા સુંદર સપના હતા, પ્યારા ને ન્યારા હતા,
સુમધુર તે સપના હતા, તારા મારા સપના હતા,

તારા સપના મારા હતા, મારા સપના તારા હતા,
આપણે ક્યારેક, સપનાની દૂનિયામાં રહેતા હતા.

લાગણીના દરિયા હતા, અંગે અંગે નિતરતા હતા,
દુર દુર સપનામાં, રણના ક્યાં કોઈ વરતારા હતા.

જોજનોના અંતર હતા, મન આપણાં ક્યાં દુર હતા,
નયન બંધ કરતા હતા, ને એકબીજાને જોતા હતા.

ભીના ભીના સપના હતા, કોરા હવે લાગતા હતા,
જેને મારા સમજતા હતા, પરાયા તે લાગતા હતા.

ગુલાબને કુંણા સપના હતા, કંટકમાં તે રહેતા હતા,
છતાં મહેકતા રહેતા હતા, આપણે તો માનવ હતા.

થોડા સપના સાચા હતા, થોડા સપના ખોટા હતા,
આપણે તો સમજતા હતા, સપના તો સપના હતા.

સપના તો અમર હતા, સદીયોથી તે જીવતા હતા,
કદી ન બદલાતા હતા, નયનને બદલતા રહેતા હતા.

Tuesday, April 20, 2010

સાબિતી

આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી,
જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે.

કહી કહીને થાક્યો, કે નથી પીતો હું શરાબ,
કદાચ નજરના નશાની અસર આવી હશે,

ન કોઈ ગમ મૃગજળની પાછળ દોડવાનો,
જીવવા માટે, એક આભાસ પણ જરૂરી હશે.

બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,
તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.

ન કહો કે, કાંઈ નથી મેળવ્યું ચાહતમાં અમે,
મારી એકલતા, તારી ચાહતની નિશાની હશે.

ન આવી કોઈ કામ, મારી આ દુઆ કે યાચના,
કદાચ તારા ખૂદા હોવાની આ સાબિતી હશે.